છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
જુદાઈ આપની અમને પળેપળ બાળશે ત્યારે
મિલન સ્વપ્નો મહીં માણી અગનને મંદ રાખીશું
તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો
હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું
કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું
મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું
No comments:
Post a Comment